નિરાશામાંથી ઉત્સાહનો માર્ગ ધારીએ એટલો મુશ્કેલ નથી

Dr Janki SantokeJul 11, 2016, 04:09 AM IST

વાત જો નિરાશા આશાનું સંતાન હોય તો આશા કોની પુત્રી છે? આશા અજ્ઞાનમાંથી પેદા થાય છે. જ્યાં અજ્ઞાન છે, નિષ્ફળ આશા, વ્યર્થ આશા. અજ્ઞાન આપણને શીખવે છે કે કંઈક મળવાથી આપણે ખુશ થઈ જઈએ છીએ. દરેક ગરીબ વ્યક્તિ વિચારે છે કે જ્યારે હું અમીર બની જઈશ તો સુખી થઈ જઈશ. પણ શું દરેક અમીર વ્યક્તિ ખુશ હોય છે? દરેક કુંવારી વ્યક્તિ વિચારે છે કે લગ્ન થશે એટલે હું સુખી થઈ જઈશ. પણ શું દરેક પરણિત વ્યક્તિ સુખી હોય છે? દરેક બીમાર વ્યક્તિ વિચારે છે કે સાજો થઈ જઈશ એટલે હું સુખી થઈ જઈશ,પણ જેઓ બીમાર નથી તેઓ શું સુખી છે? સુખ કોઈ બાબતના હોવા કે નહીં હોવા પર નિર્ભર નથી. તે એક માનસિક અવસ્થા છે. જેઓ આજે આ અવસ્થામાં ખુશ નથી તેઓ ક્યારેય ખુશ નહીં રહી શકે. આ જીવનનું મહત્ત્વપૂર્ણ સત્ય છે. મન હંમેશા કહે છે કે જ્યારે આ મળશે ત્યારે હું સુખી થઈ જઈશ. છેલ્લા શ્વાસ સુધી આવું વિચારતા રહે છે.

નિરાશાની સ્થિતમાં આશાનું કિરણ ફૂટી શકે છે. જ્યાં આશા છે ત્યાં નિરાશા પણ હોય છે. જો કોઈ વિદ્યાર્થીની ઈચ્છા પ્રથમ ક્રમ મેળવવાની હોય છે અને જ્યારે સફળતા મળે નહીં ત્યારે તે નિરાશ થઈ જાય છે. કોઈને ઘણા બધા પૈસા કમાઈ લેવા હોય છે પણ જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે તે નિરાશ થઈ જાય છે.

હૉલીવૂડના ચમત્કારિક સ્ટાર ક્રિસ્ટોફર રીવ હતા. તેમણે સુપરમેનની ભૂમિકા ભજવી હતી. તેમની ગણના સૌથી સ્વરૂપવાન અને શક્તિશાળી પુરૂષોમાં થતી હતી. તેઓએ સમગ્ર દુનિયાની આંખનો તારો હતા. ઘોડા પરથી પડી જવાથી ગરદનથી કમર સુધી તેમને લકવો થઈ ગયો. તેઓ રાતોરાત અન્ય પર નિર્ભર બની ગયા. સુપરમેન હવે આંખો હલાવવા સિવાય કશું જ કરી શકવા અસમર્થ છે. કેવું લાગી રહ્યું હશે તેમને? તેમણે રડી રડીને જીવન વિતાવ્યું નહોતું.શારીરિક શક્તિ ભલે ન હોય તેમણે માનસિક શક્તિમાં વધારો કર્યો.

સમગ્ર જીવન પથારી પર વિતાવ્યું. છતાં પણ તેમનું જીવન આપણા માટે પ્રેરણાદાયક છે. ગળાથી નીચેના શરીરના ભાગને તેઓ જરા પણ હલાવી શકતા નથી. પલંગ તેમનો જીવનસાથી બની ગયો. છતાં તેમણે નિરાશામાં જીવન વિતાવ્યું નહીં. પોતાના બિસ્તર પરથી જ સંસ્થા શરૂ કરી. સામાજિક કાર્યો કર્યા. ઘણા લોકોની મદદ કરી. જ્યારે તેઓ બાવન વર્ષના થયા ત્યારે તેમણે વ્હીલચેર પર બેસીને એક ફિલ્મના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. આ દરમ્યાન તેમણે એક ફિલ્મમાં અભિનય પણ કર્યો. જીવનના પડકારો પછી પણ તેમણે હિંમત છોડી નહીં. તેમનું જીવન દરેક માટે પ્રેરણાદાયી બની ગયું. તેઓ ખરા અર્થમાં સુપરમેન હતા.
તેમનું જીવન આપણને બે બાબતો શીખવે છે.

1. અનિશ્ચિતતા: મુશ્કેલીથી મળેલી વસ્તુ ગમે ત્યારે હાથમાંથી જતી રહી શકે છે. કોઈ પણ ક્ષણે કશું પણ થઈ શકે છે. જીવનમાં આપણે શું ઈચ્છીએ છીએ? રુપ, શક્તિ, પૈસા. આ બધુ મેળવીને આપણે ખુશ થઈશું અને નહીં મળે તો નિરાશ થઈ જશું. જે કાયમ માટે ટકી શકે એમ નથી એના પર શા માટે આશા ટકાવી રાખવી?

2. અનુભૂતિ: આપણે કેવી રીતે ઉત્સાહ ટકાવી રાખીશું? જ્યારે મન જાત પર ઓછું અને અન્યની સેવામાં વધારે હોય ત્યારે?કોઈ અગત્યની બાબતમાં વ્યસ્ત રહો ત્યારે? તેમાં ઉત્સાહ જરુર હોય છે. પણ તે કોઈ વસ્તુ મળવા પર નિર્ભર નથી. તે એક આંતરિક અનુભૂતિ છે. જે નિ:સ્વાર્થભાવથી જગતને જોવાથી મળી શકે છે. સુખ તેમાં છે.