ઈચ્છાઓમાંથી મુક્તિ સ્થિતપ્રજ્ઞ અવસ્થા

Janki Santoke Mar 21, 2016, 02:53 AM IST

માણસને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેની ઈચ્છા મુજબ કામ નથી થતું એટલે. તે કેમ ચોરી કરે છે? કારણ કે તેની ઈચ્છા તીવ્ર છે, તેને જે-તે ચીજવસ્તુ અવશ્ય જોઈએ છે. કોઈ કેમ ઈર્ષ્યાભાવ રાખે છે? કારણ તે બીજા પાસે છે તે મારી પાસે નથી. દરેક ખરાબ ટેવ-વર્તન પાછળ એક ઈચ્છા છુપાયેલી હોય છે. જ્યારે બધી જ ઈચ્છાઓનો નાશ થાય ત્યારે માણસ શુદ્ધ, નિર્દોષ બની જાય છે. આ એજ વ્યક્તિ છે જેને પરમાનંદની અનુભૂતિ થાય છે. એકવાર આ સ્થિતિમાં આવ્યા બાદ સંસારની કોઈ જ ઘટના તમને હલાવી શકશે નહીં. તે ખુશીના કારણે ઉછળી નહીં પડે કે દુ:ખમાં ડૂબી નહી જાય. તે હંમેશા આત્મિક આનંદમાં મગ્ન રહેશે.

દરેક મનુષ્યોના મનમાં ઈચ્છાઓ હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે ઈચ્છાઓ જુદી-જુદી હોય છે. જ્યારે આપણે ઉચ્ચતર ઈચ્છાઓ પ્રાપ્ત કરીએ છીએ ત્યારે નીચલી ઈચ્છાઓમાંથી મુક્તિ પામીએ છીએ. જ્યારે આપણે નાના હતા ત્યારે રમકડાની સાથે રમતા. આપણું મન, આપણો રસ તેમાં જ હતો. પછી આપણે મોટા થયા. પેલા રમકડાઓનું શું થયું? તે પોતાની મેળે જતા રહ્યા કે આપણે તેનાથી મુક્તિ મેળવી લીધી? આ જ રીતે જ્યારે ઉચ્ચ ઈચ્છાઓને પ્રાપ્ત કરીશું ત્યારે નીચલી ઈચ્છાઓ આપમેળે જતી રહેશે. સ્વાર્થી ઈચ્છાઓ નીચલી છે.

નિ:સ્વાર્થ ઈચ્છાઓ ઉચ્ચ છે. જેમ આપણી કામનાઓની ઉન્નતિ કરીશું, નીચલા સ્તરની ઈચ્છાઓનો ઉકેલ એની મેળે આવી જશે. અંતે આપણી પાસે માત્ર એક જ ઈચ્છા બાકી રહેશે ભગવાનની આરાધના. જ્યારે આ ઈચ્છા પણ છૂટી જશે ત્યારે આપણે ભગવાનમાં લીન થઈ જઈશં અને મોક્ષ પામીશું. આપણા પરિપૂર્ણ તત્વ સાથે ભળી જઈશું. સ્થિતપ્રજ્ઞ બની જઈશું. પાંચ હજાર વર્ષ પહેલા અર્જૂને ભગવાનને પૂછ્યું હતું-સ્થિતપ્રજ્ઞ કા ભાષા સમાધિસ્તસ્ય કેશવ? જે સમાધિમાં છે, તે સ્થિતપ્રજ્ઞ છે, તે કેવો છે? તેનું વર્ણન શું છે? શું પરિભાષા છે? એક ઉત્તમ પુરૂષ કેવો હોય છે? આજે પણ આ પ્રશ્નો પ્રસ્તુત છે. ભગવાને જે ઉત્તર આપ્યો તે પણ આજે એટલો જ પ્રસ્તુત છે અને મહત્ત્વનો છે- જ્યારે મનમાંથી બધી જ ઈચ્છાઓ જતી રહે છે ત્યારે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ બની જાય છે.